આઈટીના વિકાસમાં ગુજરાત પ્રથમ બસ ચૂકી ગયું : સામ પિત્રોડાગુજરાતના વિકાસની ક્રેડિટ લેવાના મુદ્દે દિનશા પટેલ અને સૌરભ પટેલ વચ્ચે ચકમક ઝરી દેશમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)ના વિકાસમાં ગુજરાત પ્રથમ બસ ચુકી ગયું છે. દેશમાં આઈટીનું નામ લેતાં બેન્ગલોર, હૈદ્રાબાદ, મુંબઈ, દિલ્હી અને કોલકોતાનો નંબર આવે છે. જો કે આવતાં દસકામાં ગુજરાતમાં આઈટી ઉધોગની તકો ઉજવળ છે તેવું નેશનલ નોલેજ કમિશનના ચેરમેન સામ પિત્રોડાએ કાલીકા કન્સ્ટ્રકશન એન્ડ ઈમ્પેકસ પ્રાઈવેટ લિમિટેડના આઈ ટી સેઝના ભૂમિપુજન સમારંભમાં શિકાગોથી વિડિયો કોન્ફરન્સીંગમાં કહ્યું છે.
આ સમારંભમાં દિનશા પટેલ અને સૌરભ પટેલ વચ્ચે ચકમક પણ ઝરી હતી. પિત્રોડાએ કહ્યું હતું કે ભારત આઈ ટી ક્ષેત્રે દર વર્ષે ૫૫થી ૬૦ બિલિયન ડોલરની નિકાસ કરે છે. ૨૦ વર્ષના નાના સમયમાં ભારતે આઈ ટી અને ટેલિકોમ ક્ષેત્રે કેવી રીતે પ્રગતિ સાધી અને તેનો રોડ મેપ શું છે તે સમજવા માટે દુનિયાના લોકો ઉત્સુક છે. આ સમારંભમાં બોલતાં ઉધોગમંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે ગુજરાત મંદીમાંથી બહાર આવી રહ્યું છે અને તે કેટલાંક પરિબળોથી સદ્ધિ થાય છે. ગયા વર્ષે ઈન્ડસ્ટ્રીમાં વીજળીનો વપરાશ ૪૬ મિલિયન યુનિટ હતો જે આ વર્ષે વધીને ૫૨ મિલિયન યુનિટ થઈ ગયો છે જે બતાવે છે કે ઉત્પાદન વઘ્યું છે. ગયા વર્ષે જુલાઈ સુધીમાં થયેલી વેટની આવક કરતાં ચાલુ વર્ષે આ જ સમયગાળામાં થયેલી આવકમાં ૧૨ ટકાનો વધારો છે. ગુજરાતના વિકાસ વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ૨૦૦૭થી ૨૦૧૨માં ગુજરાતનો આયોજિત ખર્ચ ૧,૧૧,૦૦૦ કરોડનો છે. દેશ ૬થી ૭ ટકાનો વિકાસ દર હાંસલ કરે તે માટે ગુજરાતનો વિકાસ દર ૧૧.૨ ટકા હોવો જોઈએ તેવું આયોજન પંચે કહ્યું છે એટલે ગુજરાત દેશનું ગ્રોથ અન્જિન છે. એનર્જી ક્ષેત્રે ગુજરાત એટલું આગળ વધી રહ્યું છે કે દરેક રાજય વીજળી ગુજરાતથી લઈ જવાનું આયોજન કરી રહ્યું છે. આ એક માત્ર રાજય એવું છે જયાં ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. પેટ્રોકેમિકલમાં ગુજરાત એટલું આગળ છે કે આવતાં બે વર્ષમાં દરેક તાલુકામાં સીએનજી સ્ટેશન હશે. આ કાર્યક્રમમાં બોલતાં કેન્દ્રિય લઘુ અને મઘ્યમ ઉધોગ મંત્રી દિનશા પટેલે કહ્યું હતું કે ગુજરાત ૧૧.૨ ટકાનો વિકાસ દર હાંસલ કરે છે તેવું તો સૌરભભાઈએ કહ્યું પરંતુ તેમાં કેન્દ્રનો ફાળો કેટલો છે તે દર્શાવ્યું નથી. હાલમાં જે સેઝ સ્થપાઈ રહ્યાં છે તેની મંજુરી કેન્દ્ર સરકારે આપી છે. રાજય સરકાર ૨૪ કલાક વીજળીની વાત કરે છે પરંતુ તે માત્ર શહેરોમાં જ છે, ગાંમડામાં ખેડૂતોને ૨૪ કલાક વીજળી મળતી નથી. તેમણે સૌરભ પટેલને ઓપન ડિબેટ કરવાની પણ તૈયારી બતાવી હતી, આમ કેન્દ્ર અને રાજયના મંત્રીઓ વચ્ચે વિકાસની ક્રેડિટ લેવાના મુદ્દે ચકમક ઝરી હતી. પ્રથમ ફેઝ એક વર્ષમાં પૂર્ણ થશે કાલિકા કન્સ્ટ્રકશનનો થર્ડઆઈ વોઈસનામથી એસ પી રિંગ રોડ પર બનતો સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ૩૬ લાખ સ્કવેર ફીટમાં બને છે અને તેનો પ્રથમ ફેઝ એક વર્ષમાં પૂર્ણ થશે. આ અંગે ડાયરેકટર બિપિન શાહે કહ્યું હતું કે આ સેઝમાં યુનિટ શરૂ કરવા માટે ગુજરાતની ૪૦થી ૪૫ કંપનીએ સંપર્ક કર્યોછે. આ કંપનીઓને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે લીઝ પર જગ્યા અપાશે. ૬૫૦ કરોડના ખર્ચથી બનનારો આ પ્રોજેકટ આવતાં ત્રણ વર્ષમાં બે ફેઝમાં પૂરો થશે. આ પ્રસંગે ડીજીપી ખંડવાવાલાએ કહ્યું હતું કે ટ્રાફિક નિયમનમાં આઈટીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. લોકો રસ્તા પર કેવી રીતે ચાલે છે, ડ્રાઇવિંગ કેવી રીતે કરે છે, ડ્રાઇવ કરતાં કરતાં મોબાઈલ પર વાત કરે છે કે કેમ તે જાણવા આઈટી ઉપયોગી છે. Courtesy : Divyabhaskar.co.in
Trackback(0)
 |